ગાંધીનગર:રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સમીક્ષા બેઠક બોલાવી છે. આજે બપોરે 3 કલાકે  મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે


સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. રસ્તાઓ જળમગ્ન થતાં વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે. નદી પટ વાળા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સમીક્ષા બેઠક બોલાવી છે. રાહત નિયામક,મહેસુલ સચિવ,આર એન્ડ બી વિભાગના સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં  હાજર રહશે. રાજ્યમાં વરસાદને પગલે સર્જાયેલ સ્થિતિ અંગે બેઠકમાં  સમીક્ષા થશે.


જૂનાગઢમાં  ભારે વરસાદથી ઓજત નદીનો તૂટ્યો પાળો, ધસમસતા પાણી પ્રવાહમાં કાર ફસાઇ


જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢના બામણાસા નજીક ઓજત નદીનો પાળો તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ઓજત નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા.  પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. નદીના પાણી ઘૂસતા ખેતરોમાં મોટું ધોવાણ થયું હતું.




iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1688107579194">

રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત


ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.


ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ


રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.


24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે. 


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2  સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે 80 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ  6.11  વાગ્યે 30158 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 53.1મી. તથા હાલની સપાટી 51 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકા ના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.







Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial