પાટણ: રાજ્યમાં કોરોના સંક્રમણ વકરતા લોકડાઉનની ચર્ચાઓને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત સ્પષ્ટતા કરી છે. પાટણમાં મુખ્યમંત્રીએ કહ્યું રાજ્ય સરકાર સતત કેંદ્ર સરકારના સંપર્કમાં છે. કેંદ્રના માર્ગદર્શન હેઠળ સરકાર સમય-સમય અને આવશ્યકતા મુજબ નિર્ણય લેશે. હાલમાં માત્ર 20 શહેરોમાં જ નાઈટકફર્યૂનો નિર્ણય લેવાયો છે. 


રાજ્યમાં બીજા તબક્કામાં કોરનાના સંક્રમણ વધવાના પગલે અનેક શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. પાટણ શહેરમાં પણ કોરોનાના સંક્રમણની ચેન તોડવા વેપારીઓએ રવિવારે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પાટણ શહેરમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો રવિવારે બંધ રહી હતી. પાટણ શહેરના લોકો પણ જરૂરિયાત સિવાય ઘર બહાર નહીં નીકળી પોતાનો સહયોગ આપતા દ્રશ્યો સામે આવ્યા હતા. પાટણ શહેરના રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસી રહ્યા હતા. છેલ્લા 5 દિવસમાં પાટણમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં લોકો અને વેપારીઓ આજે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું. 


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર



ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.  


ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધારે મોત કઈ તારીખે


5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.