રાજકોટ: રાજકોટ(Rajkot) જિલ્લાના વીંછિયા તાલુકામાં આંશિક લોકડાઉન (Lockdown)લગાવવામાં આવ્યું છે. વીંછિયામાં બપોરે એક વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. એક વાગ્યા બાદ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. આજથી આઠ દિવસ માટે બપોર બાદ દુકાનો બંધ રાખવા વેપારીઓએ જાતે જ નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લાના નાના તાલુકામાં કેસ વધતા લોકો અને વેપારીઓ જાગૃત થયા છે.
રાજ્યના અનેક ગામડા, શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) કરી રહ્યા છે. વીંછિયામાં બપોરે એક વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. એક વાગ્યા બાદ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધારે મોત કઈ તારીખે
5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.