અમદાવાદ: આપણી ચેનલ ABP અસ્મિતાના કાર્યક્રમ 'હું તો બોલીશ' પર આપ તમામે વિશ્વાસ વ્યક્ત કર્યો અને એ જ વિશ્વાસ સાથે આ કાર્યક્રમે સતત 1000 એપિસોડ 31 ડિસેમ્બરના દિવસે પૂર્ણ કર્યા છે.  આપ તમામના વિશ્વાસ બદલ અમે એબીપી અસ્મિતા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 'હું તો બોલીશ'કાર્યક્રમના 1000 એપિસોડ પૂર્ણ થવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે પણ એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલને પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે. 


'હું તો બોલીશ' કાર્યક્રમના અવિરત 1000 એપિસોડ પૂરા કરવા બદલ એબીપી અસ્મિતાની ટીમને પત્ર મારફતે મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી. એટલુ જ નહી આ કાર્યક્રમમાં તટસ્થ પણે થતા સંવાદની મુખ્યમંત્રીએ પ્રશંસા પણ કરી હતી.  


મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે પત્રમાં લખ્યું, સ્નેહી શ્રી રોનકભાઈ તથા એબીપી અસ્મિતા પરિવારના સર્વે સદસ્યો સપ્રેમ નમસ્કાર. હું તો બોલીશ કાર્યક્રમે 31 ડિસેમ્બર, 2023ના રોજ 1000 એપિસોડ પૂર્ણ કરી એક નવું સીમાચિન્હ સર કર્યું તે જાણી આનંદ સહ ગર્વની અનુભૂતિ થઈ.




આજના અતિ ઝડપી યુગમાં પળ-પળની રજેરજ માહિતી જનતા સુધી પહોંચે તે મહત્વપૂર્ણ બાબત છે. ન્યુઝ ચેનલ્સ ઝંઝાવતી ઝડપે દેશ-વિદેશની ધરતી પર માહિતીનું આદાન પ્રદાન કરતું અગત્યનું માધ્યમ બન્યું છે એવામાં જનતાની લાગણીને નિખાલસ વાચા આપતા 'હું તો બોલીશ' કાર્યક્રમે 1000 અંકનું પ્રસારણ કર્યું તે તેના પ્રજા સાથેના સફળ સંવાદનું પ્રતિબિંબ કહી શકાય. આવા કાર્યક્રમો લોકોમાં જાગૃતિ પ્રસરાવવાનું કામ કરે છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ કરાતા સાંપ્રત મુદ્દાઓની તટસ્થ છણાવટ તેના ઉદઘોષકના અનોખા કૌશલ્યનું કારક કહી શકાય. આ કાર્યક્રમ દિન-પ્રતિદિન સફળતાના શિખરો સર કરતો રહે, લોક લાગણીની રજૂઆતોને સાર્થક કરે એવી શુભકામના  સહ ચેનલની સમગ્ર ટીમને અભિનંદન.   


આજે ગુજરાતી સમાચાર ચેનલનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ જો કોઈ હોય તો તે હું તો બોલીશ છે.  લોકોની સમસ્યાને વાચા આપતો આ શો આજે ગુજરાતના નાના મોટા સૌ કોઈની પસંદ બની ગયો છે.  રાત્રે 8 વાગ્યે એબીપી અસ્મિતા પર હું તો બોલીશ કાર્યક્રમ આવે છે.