જૂનાગઢ: શહેરમાં આવેલા દામોદર કુંડનું એક વિશેષ ધાર્મિક મહત્વ છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવે છે. ભવનાથ ક્ષેત્રમાં મુસ્કુન્દ ગુફા નજીક આવેલું આ તળાવ ખૂબ પૌરાણિક છે. અહીં એવી પણ માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ પ્રાપ્ત કરે છે, અસ્થિઓ પધરાવવા અને પિતૃઓને મોક્ષ માટેના પ્રખ્યાત સ્થળો હરિદ્વાર ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમ આવેલા છે તેવી જ રીતે જૂનાગઢમાં દામોદર કુંડને પણ પિતૃ મોક્ષનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે.


જો કે આજે આ પવિત્ર કુંડ ખાતે એક ગોજારી ઘટના બની છે. દામોદર કુંડમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું છે. હેત કિકાણી નામના બાળકનુ ડુબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરીવાર પવીત્ર દામોદર કુંડ ખાતે સ્નાન માટે આવ્યો હતો. અચાનક હેતનું પાણીમા ડુબી જવાથી મોત થયું છે. બાળકના મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


જુલાઈમાં પણ 2 વર્ષના બાળકનું મોત થયું હતું
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમા રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આજે એક દૂર્ઘટના ઘટતા અરેરાટી મચી જવા પામી હતી. દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બાળકના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો. બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.


વલસાડ સિવિલ હોસ્પિટલમાં મચ્યો હંગામો


વલસાડ: સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક અડલા બદલી થઈ હોવાનો બાળકના પિતા અને દાદીએ આરોપ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ડિલિવરી સમયે બાળકનો જન્મ થયો હોવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું અને તે બાદ બાળકનું વજન ઓછું હોવાના કારણે કાચની પેટીમાં મુકવામાં આવ્યું હતું. બાળકની સારવાર બાદ આજરોજ બાળકની જગ્યાએ બાળકી માતાને આપવામાં આવતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો.પિતા અને દાદીએ મીડિયા સમક્ષ કહ્યું કે, ડિલિવરી સમયે બાળક જ જન્મ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળક નહીં પરંતુ બાળકી જન્મ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોએ કહ્યું કે બાળકી નહીં બાળક જ જન્મયું હતું અને તમામ બોર્ડ અને કાગળમાં બાળક જ જન્મ્યું હોવાનું કહ્યું હતું. હવે આ વિવાદને લઈને હોસ્પિટલમાં વાતાવરણ ગરમાયું છે.