Gujarat Rain Update: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાતના ૦૮ થી ૧૦ દરમિયાન ચુડા તાલુકામાં નોંધાયો ૩.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. ચુડા,મોજીદડ,કારોલ, છત્રીયાળા,ભગૂપુર સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાની અસરને પગલે ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે.


અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ


અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ શરુ થયો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદ નગર, ઈસકોન, શ્યામલ, શિવરંજની સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાવઝોડાની સાઇડ ઇફેક્ટરૂપે અમદાવાદ શહેરના આનંદનગર, પ્રહલાદનગર, ગોતા, બોપલ અને એસજી હાઈવે પર વરસાદ વરસ્યો છે. શહેરના સેટેલાઈટ, નિકોલ, નારોલ, વેજલપુર, માનસી સર્કલ, બોડકદેવમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. વિઝીબિલીટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  


વરસાદની આગાહી


કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાકની આગાહી કરવામાં આવી છે.  અરવલ્લી , દાહોદ,નર્મદા,તાપી,છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અહિં પવન ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 





નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી


દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  દ્વારકાથી 20 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. જ્યોર્તિર્લિંગની આસપાસ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જોવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે મૂર્તિઓને નુકશાન નથી થયું. મંદિરના પ્રાંગણમાં 40 વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે.  બિપરજોય વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નુકશાન કર્યું છે.