બનાસકાંઠા: બનાસકાંઠા પંથકમાં તીડના વધતા આક્રમણના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને એક પરિપત્ર આપવામાં આવ્યો છે. આ પરિપત્રમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે કે જો ગામમાં તીડ જોવા મળે તો ખેડૂતોને ભેગા કરીને ઢોલ નગારા વગાડી તીડને ભગાડવામાં આવે.


બનાસકાંઠામાં તીડના આક્રમણે દૂર કરવા માટે ખેતીવાડી અધિકારીઓની ટીમોના બદલે શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીના પરિપત્રથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોનું કહેવું છે કે બાળકો ભણાવીએ કે ખેતરમાં ઢોલ-નગારા વગાડીએ. તાલુકા વિકાસ અધિકારીના આ પ્રકારના પરિપત્રને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કૃષિ મંત્રી આરસી ફળદુએ પણ તીડને ભગાવવા માટે શિક્ષકોને ઢોલ વગાડવાના પરિપત્રનો છેદ ઉડાવ્યો છે. પરીપત્ર મુદ્દે બનાસકાંઠાના ડીડીઓ સ્પષ્ટ કરી છે કે ઢોલ વગાડવા માટે શિક્ષકોને કોઈ સૂચના નથી આપવામાં આવી. શિક્ષકોને માત્ર જાગૃતિ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.

કચ્છ,બનાસકાંઠા,પાટણ અને મહેસાણામાં ફંટાયેલા તીડના વાવાઝોડાથી થયેલા નુકસાન પર કૃષિમંત્રી આર.સી.ફળદુએ ચિંતા વ્યક્ત કરીને તીડના આક્રમણને ડામવા માટે સરકાર પગલા ફરી રહી હોવાની ખેડૂતોને ખાતરી આપી છે. કૃષિમંત્રીએ કહ્યું હિમ વર્ષાના કારણે પવનની દિશા બદલાતા ગુજરાતમાં તીડ પ્રવેશ્યાં છે. પાકિસ્તાનની સરહદમાં ગયેલા તીડ ફરીથી ગુજરાતમાં આવ્યા છે. બનાસકાંઠાના સાત તાલુકાના 87 ગામ તીડથી પ્રભાવિત થયા છે.