રાજયમાં અત્યાર સુધીમાં અંદાજે 6 હજાર જેટલા બેંક કર્મચારી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હોવાનો દાવો કરાયો છે. ગુજરાતમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકોની દસ હજાર જેટલી શાખાઓ આવેલી છે. જેમાં અંદાજે 30 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમ્પલોઈઝ યુનિયનનું માનવું છે કે, જો સંક્રમણની આવી જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં સમય અથવા સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરી કામગીરી ચાલુ રાખવાની નોબત આવી શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.