ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટતા રૂપાણી સરકારે સ્કૂલો ખોલવાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 એટલે કે સોમવારથી શરૂ થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.


રૂપાણી સરકારે નિર્ણય લીધો હતો કે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. સાથે સાથે ઓનલાઈન શિક્ષણ  યથાવત રહેશે.


મળતી જાણકારી અનુસાર , રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.



મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે.


સાથે સ્કૂલોમાં કોરોના સંક્રમણને નિયંત્રણ રાખવા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.