ગૌરવવંતા ગુજરાતનો આજે 62મો સ્થાપના દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની પાટણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પાટણ જિલ્લાને કરોડોના વિકાસકાર્યોની ભેટ મળશે.  ઉજવણીના  ભાગરૂપે  રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369  કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. આ સાથે જ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. 


બીજી તરફ કૉંગ્રેસ આજે ગુજરાતના સ્થાપના દિવસે અમદાવાદમાં જનતા અદાલત યોજશે. બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આરોપનામું રજૂ કરશે. તે સિવાય ગુજરાતના સ્થાપના દિવસે આજે આમ આદમી પાર્ટી અને બીટીપીનું વિધીવત ગઠબંધન થશે. કેજરીવાલ, છોટુ વસાવા ચંદેરિયામાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન યોજશે.


ગુજરાત ગૌરવ દિવસે 'ગાશે ગુજરાત પાટણ ગાન' સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે



પાટણ ખાતે યોજાઇ રહેલા  ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણને ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 01 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત 'ગાશે ગુજરાત પાટણ ગાન' માં પાટણની પ્રભુતા ઉજાગર થશે.


આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવામાં આવશે  ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતો ને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે. પાટણના સ્થાનિક ઇતિહાસ અને પાટણ ની પ્રભુતાને આ કાર્યક્રમમાં સુંદર રીતે વર્ણવવામાં આવશે.


આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને સ્વાતંત્ર્ય સમરના મહા- નાયકોની વંદના કરવામાં આવશે.  'ગાશે ગુજરાત પાટણ ગાન' કાર્યક્રમમાં પાટણ, પાલનપુર, ભૂજ, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદના કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.


 પોલીસ દ્વારા દિલધડક કરતબોનું આયોજન



પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરાયું છે.