- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
- આ મુલાકાત તાજેતરમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અચાનક ગોઠવાઈ હોવાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
- સૂત્રોના મતે, આ મુલાકાત દરમિયાન મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી.
- જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ 17 ઓક્ટોબર, 2025થી દિવાળી પહેલાં થશે.
- અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન કેટલાક વર્તમાન મંત્રીઓને હટાવાશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે, પરંતુ સરકાર વધુ મજબૂત બનશે.
Bhupendra Patel Delhi Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મહાત્મા મંદિરમાં આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ અચાનક દિલ્હી જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તુરંત ગુજરાત પરત ફરશે.
તાજેતરમાં, ૨૦મી તારીખે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. મુખ્યમંત્રીની આ અચાનક દિલ્હી મુલાકાતથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.
અગાઉ પણ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી હતી, જે ઠંડી પડી ગઈ હતી. પરંતુ મુખ્યમંત્રીની આ મુલાકાતથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ટૂંક સમયમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ ૧૭ ઑક્ટોબરથી થશે
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે જાણીતા જ્યોતિષી શ્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ આગામી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫થી દિવાળી પહેલાં થશે.
અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન ભાજપનો આંતરિક ડખો સામે આવી શકે છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન મંત્રીમંડળના કેટલાક પ્રધાનોને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાઓનો સમાવેશ થશે.
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારો બાદ પણ ભાજપની સરકાર યથાવત્ રહેશે અને વિસ્તરણ બાદ તે વધુ મજબૂત બનશે. તેમણે સરકારને આંતરિક અને બાહ્ય તત્વોથી સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.
અંબાલાલ પટેલની આ આગાહી બાદ રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે, કારણ કે તેમની ઘણી આગાહીઓ ભૂતકાળમાં સાચી સાબિત થઈ છે.