Bhupendra Patel gratuity decision: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
આ પહેલા, રાજ્ય સરકારના કર્મચારીઓને વય નિવૃત્તિ સમયે મહત્તમ રૂ. 20 લાખની નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મળતી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, આ મર્યાદા વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ધોરણોને અનુરૂપ છે અને તેનાથી રાજ્યના કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા મળશે.
આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.
ક્યારથી લાગુ થશે?
આ નવો નિર્ણય તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને લાગુ પડશે.
કેટલો ખર્ચ થશે?
આ નિર્ણયને પરિણામે રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. 53.15 કરોડનું વધારાનું ભારણ આવશે. જો કે, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.