ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઈવે પરની સામાન્ય હોટલમાં જાહેરમાં ખાટલા પર બેસીને ચાની મજા લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે પોતાની સાથેના અધિકારીઓ તથા સીક્યુરિટી સ્ટાફને પણ ચા પિવડાવી હતી. ચાના બિલના 300 રૂપિયા થતા હતા પણ મુખ્યમંત્રીએ પોતાના ખિસ્સામાંથી કાઢીને  500 રૂપિયા ચૂકવ્યા હતા. લીંબડીથી ગાંધીનગર વચ્ચે બની રહેલા હાઇવે અને બ્રીજની કામગીરીના નિરીક્ષણ માટે નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગોદરા નજીકની એક સામાન્ય હોટલમાં ચા પીવા માટે કાફલો રોકવી દીધો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વ્યક્તિની જેમ હોટલમાં ખાટલા પર બેસીને અધિકારીઓ સાથે ચા પીધી હતી અને ચર્ચા કરી હતી.


હોટલના માલિક અને આસપાસના લોકો ભુપેન્દ્ર પટેલનું આ સામાન્ય સ્વરૂપ જોઈને આનંદિત થઈ ગયા હતા અને ધન્યતા અનુભવવા લાગ્યા છે. આ ચાનું 300 રૂપિયા ચાનું બિલ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 500 ચૂકવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાને મળવા આવેલા લોકો અને હોટલના મલિક સાથે ફોટા પણ પડાવ્યા હતા.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શનિવાર નો દિવસ અમદાવાદ - રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો હતો. મુખ્યમંત્રી પટેલ શનિવારે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે માર્ગ મકાન સચિવ  સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી


ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા. જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.