Chhota Udepur : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. આજે 5 મેએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપુર ખાતેથી પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. મુખ્યપ્રધાન છોટા ઉદેપુરમાં હતા એ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અચાનક જ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચી સૌને ચોંકાવી દીધા.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોચ્યાં હતા અને સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાતને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બિરદાવી હતી.
આ પ્રસંગે સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યપ્રધાને પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે.
વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું આજે તેમના વતન જામલીમાં રાખવામાં આવ્યું હતું, જયારે આવતીકાલે 6 મેં ના રોજ ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાન બંગલા નંબર 7, મંત્રીઓના બંગલાના વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.
છોટા ઉદેપુરમાં CMના હસ્તે કરોડોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના કુલ 131 કરોડના જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ગ્રામ્ય માર્ગો, આંગણવાડીઓ તથા અન્ય વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહૂર્ત કર્યાં હતા તથા ‘મા’ કાર્ડ, ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સહાય ફાળવણી પત્ર, ભુલકાંઓને કિટ, વિ. અર્પણ કર્યા હતા.
મુખ્યપ્રધાને વનબંધુ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા બાબતે વિશદ ભૂમિકા આપતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે દરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત અને અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોંચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે.