મહીસાગર:  મહીસાગર જિલ્લાના બાલાસિનોરના  રૈયોલીમાં આવેલ  દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ખાતે રૂા 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા  લોકાર્પણ કરવામાં આવ્યું છે.  જેના કારણે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2માં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે.



દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝીયમમાં 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે મ્યુઝિયમનું નિર્માણ થતાં વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકશે અને વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં આ મહત્વનું બની રહેશે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે ડાયનોસોર મ્યુઝિયમના ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ડાયનોસોર મ્યુઝિયમ વખતે રીબીન કાપી અને રૈયોલી ખાતે આવેલ ડાયનોસોર પાર્કના ફેઝ 2 નું લોકાર્પણ કર્યું. ડાયનોસોર પાર્કમાં આવેલ 5d થિયેટરમાં મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી તેમજ મળી આવેલ ડાયનોસોરના અવશેષો અને મ્યુઝિયમમાં ઉપલબ્ધ તમામ સેવાઓ વિશે માહિતી મેળવી. સમગ્ર મ્યુઝિયમમાં ફરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મ્યુઝિયમની મુલાકાત બુકમાં નોંધ પણ કરી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી  મોદીના નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ થયેલા આ ડાયનાસોર મ્યુઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે.