નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, કે જૂનો પરિપત્ર રદ્દ કરવાની કાર્યવાહી આગામી એક સપ્તાહમાં પૂર્ણ થશે. તો શિક્ષકોના પ્રમોશન માટે પરીક્ષા લેવાનો નિયમ પણ પડતો મૂકાયો છે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.
શિક્ષણ વિભાગે તા. 25 જૂન 2019 ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા. 16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો. જો કે, હવે શિક્ષણ-વિભાગનો તા. 25 જૂન-2019 નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો બાદ આ પત્ર મૂળ અસરથી રદ કરવાનો નિર્ણય કરાયો છે.
પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.