ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં ધાર્મિક સ્થળોને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કેટલાક નિયમો સાથે દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ મહિનામાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું પ્રેરક સૂચન કર્યું કે મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓ ને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા અને સચિવો જોડાયા છે.