ભાવનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર બંદરે CNG ટર્મિનલ સ્થાપનાની મંજૂરી આપી છે. યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇના એક ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી CNG પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે.


આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન MOU કરવામાં આવ્યા હતા. આ CNG ટર્મિનલને લઈ ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, બે લોકગેટસ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે.