અમદાવાદ: વહેલી સવારે ઠંડા પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યના છ શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રીથી નીચે નોંધાયું છે. ઠંડા પવનો ફુંકાતા મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. લોકોને દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન ચાર ડીગ્રી ઘટતા તાપમાનનો પારો 12.4 ડીગ્રી નોંધાયો છે. 8.8 ડીગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 9.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી એક સપ્તાહ ઠંડીમાં વધારો થવાની સભાવના નહીવત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં ૧૫ થી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય છે, જેના કારણે પતંગ રસિકો વિના મુશ્કેલીએ પતંગ ઉડાવી શકશે અને ઉત્તરાયણની મજા માણી શકશે.
વહેલી સવારથી ઠંડા પવનની લહેર
હાલમાં રાજ્યભરમાં વહેલી સવારથી ઠંડા પવનની લહેર જોવા મળી રહી છે, રાજ્યના અનેક શહેરમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણના દિવસે પણ ઠંડી યથાવત જોવા મળી. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. 14મી જાન્યુઆરીએ 15થી 20 કિમી પ્રતિકલાકના પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મકરસંક્રાંતિના દિવસ માટે ગુજરાતના હવામાન વિશે આગાહી કરી છે.આગાહી અનુસાર આજે પતંગ રસિકોને પવનનું વિઘ્ન નહીં નડે. આ વર્ષે ઘણા વર્ષો બાદ મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
Uttarayan 2024: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો