અમદાવાદઃ રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.

અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો. 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 17.6 ડિગ્રીનો પારો નોંધાયો છે અને આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે.

નોંધનીય છે કે, ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ બદરીનાથમાં ગયા સપ્તાહે થયેલી પહેલી હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. બદરીનાથ ધામમાં ઠંડી એટલી વધી ગઈ છે કે અનેક છોડવાઓ પર બરફ જામી ગયો. જોકે તીર્થયાત્રીઓ આ સિઝનની મજા માણતા જોવા મળી રહયા છે.