અરબી સમુદ્રમાં સર્જાયાલે ડિપ્રેશનને લીધે રાજ્યમાં આાગામી 24 કલાક વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ તો રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાશે. તો અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 24 કલાક બાદ ઠંડીમાં વધારો થવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


રાજ્યમાં ઠંડીની આગાહી


ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ તો ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે. ત્યારે 15 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 16.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો


વલસાડમાં પણ ઠંડીનો પારો 16.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં ઠંડીનો પારો 18 ડિગ્રી, ડિસામાં ઠંડીનો પારો 16.8 ડિગ્રી, કંડલા એયરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી, વલ્લભવિદ્યા નગરમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી, ભૂજમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, તો પોરબંદરમાં ઠંડીનો પારો 22.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.


રાજ્યમાં રાત્રી અને વહેલી પરોઢે ઠંડક બાદ બપોરે તાપ અનુભવતા ડબલ ૠતુનો દૌ૨ ફરી શરૂ થયો છે જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાદળો વિખેરાતા ઠંડીનું જો૨ વધે તેવી સંભાવના છે.


હાલ હવામાનશાસ્ત્રીઓ શિયાળાની શરૂઆતમા જ વધારે પડતી ઠંડી પડવાની આગાહીઓ કરી રહ્યા છે અને સાથે જ લોકોને સાવચેત પણ કરી રહ્યા છે કે, તે આવનાર સમયમા ભયંકર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, હાલ નવેમ્બરના ત્રીજા વીક સુધી ઉત્તર ભારતના અમુક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ સર્જાઈ રહી છે.