ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી અનુસાર  રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીનો  ચમકારો રહેશે. રાજ્યમાં નલિયામાં લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે. તેમજ ચાર દિવસ બાદ લધુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. જેના પગલે લોકોને હાડ થીજવતી ઠંડીથી થોડી રાહતનો અનુભવ થશે. 


ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં  હજુ  ઠંડી યથાવત રહેશે. આ  દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે.નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને બનાસકાંઠામાં  ઠંડીનો ચમકારો  અનુભવાશે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયુ છે. આજે 2,21,718 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર  કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગરમાં 4, રાજકોટ 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 3,  મહેસાણામાં 3, આણંદ 2, ગીર સોમનાથ 2, પોરબંદર 2, સુરત 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, કચ્છ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.


 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 577  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,937  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10102 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.