નલિયા ચાર વર્ષનો રેકોર્ડ તોડીને 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડિસામાં ઠંડીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજના લઘુતમ તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડતા 9 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં 2થી 3 તાપમાન નીચું જશે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા પવન ફુંકાશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે જેના કારણે ઠંડી વધારે લાગશે.
દિલ્હીમાં ઠંડીએ છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના 6 રાજ્યોમાં ઠંડીના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજ માટે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ‘રેડ કોડેડ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માઉન્ટ આબુમાં આજે માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.