ગુજરાત સહિત દેશમાં નવી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં નવા વર્ષે હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે. આગામી બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છના પાટનગર ભુજ અને નલિયામાં ઠંડીનો પારો ગગડીને સિંગલ ડિજીટમાં પહોંચી ગયો છે. કોલ્ડ સિટી ગણાતાં નલિયામાં 7.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કચ્છમાં ઠંડીને કારણે શાળાઓનો સમય 30 મીનિટ મોડો કરી દેવામાં આવ્યો છે.
નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. નલિયામાં 7.8 ડિગ્રી, ભુજમાં 7 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 8.6 ડિગ્રી, રાજકોટ 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ 9.8, ડીસામાં 10.6 ડિગ્રી, પોરબંદરમાં 10.6 ડિગ્રી અને મહુવા 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 11.5 અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, દીવમાં 12.2 ડિગ્રી તો અમદાવાદમાં 12.8, ભાવનગરમાં 13 અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કચ્છમાં ઠંડીનું જોર વધતાં લોકોનાં જનજીવન પર અસર પડી રહી છે. વહેલી સવારે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સતત વધી રહેલ ઠંડીને કારણે સ્કૂલોના ટાઈમમાં પણ ફેરફાર કરાયો છે. નિયત સમય કરતાં ૩૦ મીનિટ મોડી શાળા ખોલવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે.