વલસાડ: દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી તેમ ગુજરાતમાં પણ 31stની રાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સાથે સાથે દમણમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મોડી રાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જોકે પોલીસે ગુજરાત બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન વલસાડ પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ પ્રોહિબિશન એક્ટ હેઠળ અંદાજે 300થી વધુ લોકોને પકડી પાડ્યા હતાં. જેને કારણે વલસાડ પોલીસ સ્ટેશનની જેલ ઉભરાઈ ગઈ હતી.


મંગળવાર વહેલી સવારથી વલસાડ પોલીસે રોડ અને હાઈ-વે પર ચેકિંગ શરૂ કરી દીધું હતું અને સાંજે 9 વાગ્યા સુધીમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અંદાજે 300થી વધુ લોકોની ધરપકડ થઈ હતી. આ તમામને પોલીસ સ્ટેશનની જેલમાં બંધ કરવામાં આવ્યા હતા જોકે તમામ પોલીસે સ્ટેશનની જેલ હાઉસફૂલ થઈ ગઈ હતી.

પારડી પોલીસ દ્વારા દારૂ પીધેલા તેમજ દારૂની બોટલ સાથે અંદાજે 100 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જ્યારે વાપી શહેર અને વાપી GIDC પોલીસ સ્ટેશનમાં અંદાજે 60-60 લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતાં.

પોલીસ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનું રેન્ડમ ચેકિંગ કર્યું હતું. પોલીસે બ્રીધ એનેલાઇઝર તેમજ શારીરિક નિરીક્ષણ પણ કર્યું હતું અને જેઓ દારૂ પીધેલા ઝડપાયા તેમને મેડિકલ ટેસ્ટ માટે મોકલાયા હતા. ત્યાર બાદ તેમની ધરપકડ કરાઈ હતી.

મંગળવારે સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનના લોક-અપ પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયેલા ગુનેગારોથી ભરાઈ ગયા હતા, જોકે જેલ ગુનેગારોથી ભરાઈ જતાં અન્ય ગુનેગારોને લોબી અને અન્ય પોલીસ સ્ટેશનના ખાલી પડેલા લોક-અપમાં ખસેડવાનો વારો આવ્યો હતો.