અમદાવાદ: ગુજરાતમાં આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો શરૂ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. જેમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી. આગામી 3 દિવસ માટે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં અંદાજે 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે.

અમદાવાદમાં હાલ મોડી રાત્રે ઠંડીનો ચમકારો અને બપોરે તાપથી ડબલ સિઝનનો અનુભવ થાય છે. સોમવારે રાત્રે અમદાવાદમાં 11.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. સોમવારે રાત્રે નલિયા-ડીસાને બાદ કરતાં અન્યત્ર સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધારે રહ્યો હતો.

રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં 9.8, વડોદરામાં 14.4, સુરતમાં 15.6, રાજકોટમાં 12.3, ભાવનગરમાં 15.5, ભૂજમાં 13, સુરેન્દ્રનગરમાં 13.5, અમરેલીમાં 12.3, ગાંધીનગરમાં 10, દીવમાં 13.5, આણંદમાં 14 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.