ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને લઈને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર હવે એપ્રિલ મહિનાથી શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. જ્યારે 4 મે થી 7મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે. ગુજરાત રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન CBSE બોર્ડની માફક જ આપવાનું રહેશે. CBSEમાં આ પ્રકારે સત્રની શરૂઆત થાય છે. તે પ્રમાણે રાજ્યમાં પહેલી વખત સરકારે CBSE પેટર્ન પ્રમાણે આગામી સત્ર ચાલુ કરવાની જાહેરાત કરી છે.

આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 માટે નવું શૈક્ષણિક વર્ષ 20 એપ્રિલ 2020થી શરૂ થશે અને ઉનાળું વેકેશન 4 મેથી 7મી જૂન સુધી રહેશે. વર્ષ 2021-2022 અને ત્યારપછીના વર્ષોથી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ કરવાનું રહેશે અને ઉનાળું વેકેશન મે માસના પ્રથમ સપ્તાહથખી શરૂ કરી જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી રાખવાનું રહેશે. તે ધ્યાને રાખી અત્યારથી જ આવતા શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષા અને તે સંલગ્ન તમામ કામગીરી માર્ચ માસમાં પુરી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે વાર્ષિક પરીક્ષા પુરી થયા પછી દિવસો હોતા નથી જેને કારણે શૈક્ષણિક કાર્ય કરી શકાતું નથી. આ પદ્ધતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાઓમાં લાગુ કરવામાં આવશે. આ મામલે શિક્ષણવિદ્ સાથે વિગતવાર ચર્ચા કરી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

આ ઠરાવ રાજ્યની જિલ્લા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ, સરકાર દ્વારા મંજૂરી મેળવી સ્થપાયેલ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, શિક્ષણ બોર્ડ, ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલ સરકારી તેમજ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે.