બનાસકાંઠા: આજથી 51 શક્તિપીઠની પરિક્રમાના મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. સવારે માં અંબાના ગબ્બર ટોચથી જ્યોત લઇ તમામ 51 શક્તિપીઠોમાં અર્પણ કરશે. આજે ભારતનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. તો બીજી તરફ 51 શક્તિપીઠોની પરિક્રમાની શુરુઆત બનાસકાંઠાના કલેક્ટરની હાજરીમાં 9 કલાકે શરુ થશે. 3 દિવસ દરમિયાન માં અંબાજી પાવન સ્થાને યજ્ઞ હોમ હવન ભજનથી ભક્તિમય માહોલ જોવા મળશે. આ પ્રસંગે રાજ્યના અનેક વિસ્તારોમાં માંથી માઈ ભક્તો હાજરી આપશે.
તમને જણાવી દઈએ કે, અંબાજી ખાતે આજથી ત્રણ દિવસ અંબાજીના ગબ્બર ગઢ ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખુલ્લો મુકશે. એટલું જ નહીં આ શુભ પ્રસંગે સીએમ પટેલ 17 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે. આ પ્રસંગને લઈને યાત્રાધામ વિકાસબોર્ડ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત અંબાજી મંદિર ખાતે ભાદરવી પુનમનો મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્રમા મહોત્સવ આજથી શરુ થઈ રહ્યો છે. તો બીજી તરફ ગબ્બર ઉપર ત્રણ દિવસના આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવશે.
આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસના કામોનું ભૂમિ પૂજન, ઉપરાંત અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. ત્યાર બાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકિંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ સીએમના હાથ થશે. આ ઉપરાંત મહોત્સવમાં દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવને લઈને માઈ ભક્તોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો દૂર દૂરથી માના દર્શને આવે છે.