રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીંવત છે.


આજે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.


ગુરૂવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 44.4 ડિગ્રી પહોંચી ગયો હતો. કેશોદમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભૂજ, ડીસા અને અમરેલીમાં ગુરૂવારે ગરમીનો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.


અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી, રાજકોટમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.


પોરબંદરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીનો પારો 40.1 ડિગ્રી નોંધાયો હતો. સુરતમાં ગરમીનો પારો 39.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.


અમદાવાદ શહેરમાં ગરમી વધતા AMCનો એક્શન પ્લાન


અમદાવાદમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ હીટ એક્શન પ્લાન તૈયાર કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ દિવસોમાં બપોરે 12થી ચાર વાગ્યા સુધી બાંધકામ સાઈટો પર કામગીરી બંધ રાખવા માટે બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે.


એટલુ જ નહીં  ગરમીના સમયમાં તમામ બગીચા બપોરના સમયે લોકો માટે ખુલ્લા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ શહેરના તમામ 80 અર્બન હેલ્થ સેંટરો અને મહાનગર પાલિકા હસ્તકની હોસ્પિટલોમાં લૂ લાગવા સહિતની ફરિયાદો લઈ પહોંચનારા તમામ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.


હિટ એક્શન પ્લાન હેઠળ શહેરના મુખ્ય ટ્રાફિક જક્શન કે જ્યાં ટ્રાફિકમાં વાહન ચાલકોને વધુ સમય ઉભા રહેવુ પડે છે એવા તમામ જંક્શનો પર ગ્રીન નેટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેડ એલર્ટ સમયે અર્બન હેલ્થ સેંટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રખાશે. AMTS, BRTSના તમામ બસ સ્ટેશનો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત ORSના પેકેટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ આસિસ્ટંટ કમિશનરોને તેમના વિસ્તારમાં CSR પ્રવૃતિ હેઠળ કુલ રૂફીંગની કામગીરી સોંપાઈ છે.


મેયર કિરીટ પરમાર, સ્ટેડિંગ કિમિટિના ચેયરમેન હિતેષ બારોટ અને મહાનગર પાલિકા કમિશનર લોચન સહેરાએ સાત ઝોનમાં હિટ એક્શન પ્લાન હેઠળ પાણી માટેની મોબાઈલ પરબનું ફ્લેગ ઓફ કરાવ્યુ હતુ.