ગાંધીનગર: રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની 6 રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. સુઆયોજિત-ગતિશીલ-પારદર્શી વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતનીનગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન-ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ. 


156  નગરપાલિકાઓ વચ્ચે જનહિત-માળખાકીય વિકાસ કામોની શ્રેષ્ઠતા માટે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્ષ એસસમેન્ટ-રિકવરી સીસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે. કમિટીની ભલામણો અભ્યાસ તારણોના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં કોમન ટેક્ષ-એસસમેન્ટ અંગેની પોલિસી અંગે વિચારાધિન રહેશે. 6 રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓના વિકાસ કામો-માળખાકીય સુવિધા કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડિયે બેઠક યોજીને કરે છે. દર મહિને એક રાજ્યસ્તરીય બેઠક યોજાય અને પ્રાદેશિક સ્તરની રાજ્ય સરકાર સાથેની બાબતો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરી ત્વરિત નિવારણ થાય છે. નગરોમાં પાણી-ભૂર્ગભ ગટર-એસ.ટી.પી-નલ સે જલ જેવા પાયાના જનહિત કામોના લક્ષ્યાંક નિયત કરી કામગીરીમાં ગતિ લાવવા સુચન કર્યું હતું.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરોને સૂચના આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની 156 નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે. આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આના પરિણામે નગરપાલિકાઓને લોકહિત-નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.