ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.  જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.


24 જુલાઈ: સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.


25 જુલાઈ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.


26 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.


ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.


મહારાષ્ટ્રમાં વરસાદ


મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.


મોટાભાગના ડેમ છલકાય ગયા છે. પહાડો પરથી તોફાની ધોધના પાણી પણ ચારેય તરફ ધમસમી રહ્યાં છે. ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.


મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડવાને કારણે અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. રાયગડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નિધિ ચૌધરીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાયગડમાં ભૂસ્ખલનને કારણે 36 લોકોના મોત થયા છે, જેમાંથી તલાઇમાં 32 અને સખર સુતરવાડીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે હજુ 30 લોકો ફસાયેલા છે.