રાજ્યમાં હવે કોરોના એ હદે વધી રહ્યો છે કે બાળકો (Children corona positive) પણ તેના શિકાર બની રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 500 બાળકો કોરોના (coronavirus)ની ઝપેટમાં આવી ચૂક્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ત્રણ બાળકોના મૃત્યુ નિપજ્યા છે.


સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીશીયન ડોક્ટર ચારૂલ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું કે પાંચ એપ્રિલે ચાંદલોડિયાના અર્બુદાનગરમાં વિસ્તારમાં આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. તો ત્રણ એપ્રિલે મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી નવ વર્ષની બાળકીનો પણ કોરોનાએ ભોગ લીધો છે. તો 23 માર્ચે પણ અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


એટલુ જ નહી રાજકોટમાં પણ છેલ્લા 15 દિવસથી 25થી 30 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 16 અને વોકહાર્ટ હોસ્પિટલમાં ચાર બાળકો કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે બાકીના બાળકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.


રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના (Coronavirus)ના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.


આઠ મહાનગરોમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરામાં 218, રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65, જૂનાગઢમાં 21 અને ગાંધીનગરમાં નવા 38 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં વધુ સાત સાત દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો. જ્યારે વડોદરા શહેરમાં એક અને રાજકોટ શહેરમાં બે દર્દીના થયા મૃત્યુ હતા.


માત્ર છ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર 738 વધારો થયો છે. રાજ્યમાં 300થી વધુ એક્ટિવ કેસ ધરાવતા દસ જિલ્લામાં સુરતમાં ચાર હજાર 37, અમદાવાદમાં બે હજાર 940, વડોદરામાં બે હજાર 617, રાજકોટમાં એક હજાર 869 કેસ, ભાવનગરમાં 640, ગાંધીનગરમાં 506, જામનગરમાં 500, મહેસાણામાં 420, પાટણમાં 406, મહિસાગરમાં 334 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ 17 હજાર 348 લોકો છે સારવાર હેઠળ. જે પૈકી 171 લોકો છે વેંટીલેટર પર તો 17 હજાર 177 લોકોની સ્થિતિ છે સ્ટેબલ છે.


અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના (Coronavirus) સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યા છે.