Corona virus:કોરોનાના કેસમાં રાજ્યમાં ફરી ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત 28 કેસ સાથે ચોથા સ્થાને છે. એક્ટિવ કેસમાં 70 ટકા કેસ માત્ર અમદાવાદમાં જ નોધાયા છે. તો રાજસ્થાન 22 એક્ટિવ કેસ સાથે પાંચમા સ્થાને છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 20 નવા કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મે મહિનામાં અત્યાર સુધીમાં 39 કેસ નોંધાયા છે, જેમાંથી 8 લોકો સ્વસ્થ થયા છે. ડોક્ટરે કહ્યું કે હાલમાં દરેક માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી, પરંતુ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગના દર્દીઓ, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા જરૂરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની બેઠક
આ બેઠકમાં આરોગ્ય સંશોધન વિભાગના અધિકારીઓ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના ડિરેક્ટર જનરલ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડિરેક્ટર જનરલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક છે અને તેની વિવિધ એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
નિષ્ણાતના મત મુજબ હાલ જે કેસ નોંધાઇ રહ્યાં છે. જેમાં ગંભીર લક્ષણો નથી. આમાંના મોટાભાગના કેસો હળવા હોય છે અને ઘરે જ તેની સંભાળ રાખી શકાય છે. દિલ્હી સરકારે કોવિડ અંગે એક ગાઇડ લાઇન જાહેર કરી છે હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, દવાઓ અને રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ્સના આગમન સાથે સંક્રમણના કેસોમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે, જે ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુમાં 8૪ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થયું છે, જે નવા પ્રકારના કેસમાં દેશમાં બીજું મોત છે. આ પહેલા મહારાષ્ટ્રના થાણેમાં 21 વર્ષીય યુવકનું પણ કોરોનાથી મોત થયું હતું.
તાજેતરના કેસ અને સક્રિય દર્દીઓ
શનિવારે, મહારાષ્ટ્રના થાણેમાં ૮, ઉત્તરાખંડ અને હરિયાણામાં ૩-૩, ઉત્તર પ્રદેશના નોઈડા અને કર્ણાટકના બેલગામમાં 1-1 નવા કેસ નોંધાયા હતા. 23 મેના રોજ અમદાવાદમાં 20 , યુપીમાં 4, હરિયાણામાં 5 અને બેંગલુરુમાં 9 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે.