Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની યાદી સંપુર્ણ જાહેર કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.
ચૂંટણીપંચની સુચનાથી છ ડીવાયએસપીની બદલી
ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય અથવા ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવા અધિકારીઓની બદલી કરવાની સુચના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ, ગૃહ વિભાગે સંતોષકારક કામગીરી ન કરીને અનેક અધિકારીઓને બદલી કરી નહોતી. જેને લઇને ચૂંટણી પંચ નારાજ હતુ. ત્યારે છ ડીવાયએસપીની બદલી કરવાની સુચના આપતા ગૃહ વિભાગે શનિવારે બદલી કરી હતી. જેમાં સુરત એલ ડિવિઝનના એસીપી એન પી ગોહિલની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે.
જ્યારે સુરત સી ડિવિઝનના એસીપી જી એ સરવૈયાની બદલી રાજપીપળા ડીવાયએસપી તરીકે, રાજપીપળાના ડીવાયએસપી ચિરાગ પટેલની બદલી સુરત સી ડિવિઝન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરીટી સુપ્રીટેન્ડન્ટ આર. પી.ઝાલાની બદલી સુરત એલ ડિવિઝનમાં , અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીવાયએસપીની બદલી કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર કરાઇ ખાતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ કંટ્રોલ વિભાગના ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર વીઆઇપી સિક્યોરીટી વિભાગમાં કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આચારસંહિતનો કડક અમલ થાય તે માટે ડીજીપીએ શનિવારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી કે ગુજરાતના તમામ 100 ટકા બંદોબસ્ત ગોઠવવા અને તેમજ અન્ય જિલ્લાઓમાં પોલીસ કંટેલ રૂમમાં તૈનાત સ્ટાફને વાયરલેસના સેટ સાથે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે હથિયાર જપ્તી અને વોંરટ બજાવવાની કામગીરી કરવા માટે ડીજીપીએ સુચના આપી છે.