ડીસાઃ કોગ્રેસ સાથે 35 વર્ષથી જોડાયેલા કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી આજે ભાજપમાં સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, ઉત્તર ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ગોવાભાઇ રબારી આજે કોગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થશે.કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા ગોવાભાઈ રબારી આજે ડીસા માર્કેટ યાર્ડમાં પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને ગોવાભાઈનું ભાજપમાં સ્વાગત કરશે.






કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈને આવકારવા સી.આર.પાટીલ ડીસા આવી શકે છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. સમર્થકો સાથે ડીસા એપીએમસીમાં કાર્યક્રમ યોજાશે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.




ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.  ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.


અગાઉ કોગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું


ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધુ છે. ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.