રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનું કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનથી ટ્રકો ભાડે લઈને રાજકોટના ભંગારના ડેલાઓમાં વહેંચીને કૌભાંડ આચરતા હતા. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 6આરોપીઓની ધરપકડ કરી છે.
ચોરી અને છેતરપિંડી આચરનાર શખ્સો સમયાંતરે પોતે પકડાઈ ન જાય તે માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે પરંતુ પોલીસ હંમેશાંની જેમ જ આવા તત્વોથી એક સ્ટેપ આગળ જ ચાલતી હોય છે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીનું એક આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડ્યું છે.આ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આરોપીઓ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી ટ્રક ભાડે લઈને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રાજકોટમાં ભંગારના ડેલાઓમાં સસ્તા ભાવે વહેચીને કૌભાંડ આચરતા હતા.આ સમગ્ર કૌભાંડમાં ડેલા માલિક સહિત ક્રાઇમ બ્રાન્ચે 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વાસઘાત કરી પડાવી લીધેલા વાહનો સીધા કોઈને વહેંચે અને જેમણે તે ખરીદ્યા છે તે તેઓ ઉપયોગ કરવા લાગે તો આરોપીઓ પકડાઈ જવાનું જોખમ રહે છે.જેથી પોતે પકડાઈ નહિ તે માટે અલગ જ મોડેસ ઓપરેન્ડી અપનાવી.આરોપીઓ રાજસ્થાન તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એગ્રીમેન્ટ કરીને ટ્રક તથા ડંપર ભાડે લઈને જૂનાગઢના એક શખ્સ મારફતે રાજકોટના ભંગારના ડેલાઓના માલિકને વહેંચતા હતા.આ ભંગારના ડેલાના માલિકો આખા વાહનો વહેચવાની બદલે તેનું ભંગાણ કરી અલગ અલગ સ્પેર પાર્ટસ વહેચી નાખતા હતા.આરોપીઓને હતું કે તેઓની આ મોડેસ ઓપરેન્ડી સુધી પોલીસ નહિ પહોંચી શકે પરંતુ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી ગઈ અને જેલના સળિયા પાછળ ખસેડ્યા છે.
પોલીસે રાજકોટના ત્રણ ભંગારના ડેલાઓમાંથી અલગ અલગ સ્પેર પાર્ટસ સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જેમાં ટ્રકોની ટ્રોલી,કેબિન,એન્જિન,ફ્યુલ ટેન્ક,ટાયર,સાયલેન્સર,બમ્પર,એરટેન્ક અને બેટરી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.આરોપીઓએ અત્યારસુધીમાં 60 ટ્રકો તેમના માલિકો પાસેથી મેળવી લઈને રાજકોટના ભંગારના ડેલાઓમાં ભંગાણ માટે આપી દીધાનું કબૂલ્યું છે અને હજુ પણ પૂછપરછ દરમિયાન વધુ કબૂલાત આરોપીઓ આપી શકે છે.
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના ત્રણ ડેલા માલિક જમાલ મેતર,વસીમ સમા અને ઈમ્તિયાઝ ઘાંચી આ ઉપરાંત ટ્રક ભાડે લેનાર રાજસ્થાનના શખ્સો કિશનલાલ રબારી,કિશન ચૌધરી અને જૂનાગઢનો એક શખ્સ કે જેના મારફતે રાજસ્થાનના શખ્સો રાજકોટના ડેલામાં ટ્રકો આપતા હતા તેવા લલિત દેવમુરારીની ધરપકડ કરી લીધી છે.તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે.જેમાં રાજકોટના ભંગારના ડેલા માલિક જમાલ મેતર સામે અલગ અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે.