કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  હાર્દિક પટેલે પત્રમાં કહ્યું કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવા માંગ કરી છે. આ સાથે જ તેમણે પત્રમાં કહ્યું કે, ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતું નથી. 


હાર્દિક પટેલે પત્રમાં લખ્યું કે, પંજાબ સરકારે 100 ટકા વેક્સિનેશન કરનારા ગામડાઓને 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. તેથી પંજાબની જેમ ગુજરાત સરકાર પણ 100 ટકા વેક્સિનેશન કરનાર ગામને 5 લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરે. આવી જાહેરાતથી કોરોના સામેની લડાઇ મજબૂત બનવાનો પત્રમાં હાર્દિકનો દાવો કર્યો છે. આ સાથે જ સરકાર સંભવિત ત્રીજી વેવ માટે ગંભીર ન હોવાનો અને કોરાના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન અક્સીર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સરકાર છેલ્લા એક મહિનાથી વેક્સિન આપવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં ધાર્યુ પરિણામ નથી મળી રહ્યું તે સરકાર પણ સમજે. પરંતુ સરકાર સ્વીકારતી નથી. આ વાત નિર્વિવાદિત છે. 


તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકારે પણ ગામડાઓમાં 100 ટકા  વેક્સીનેશનનું કામ થાય તે માટે કામ કરવું જોઈએ. હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો, પરંતુ જો ગુજરાત સરકાર જાહેરાત કરે કે જે ગામમાં 100 ટકા વેકસિનેશનની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાતથી કોરોના સામે લડાઈ મજબૂત બનશે. 


રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમી પડી


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1120  નવા કેસ નોંધાયા છે અને 16   દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.07 ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે. જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર અને 21698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.07  ટકા છે.