GMERS Fee Hike: રાજ્યભરમાં અત્યારે GMERS કૉલેજોમાં ફી વધારાને લઇને જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, રાજ્યમાં ડૉક્ટરીનો અભ્યાસ કરવો હવે મોંઘો બની રહ્યો છે. સરકારે GMERS કૉલેજોમાં ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ, એએસયૂઆઇ અને વાલીઓ વિરોધ કરી રહ્યાં છે. હવે આ મુદ્દે સીનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને વિરોધ કર્યો અને તાત્કાલિક ફી વધારો દુર કરવાની માંગ કરી છે. 


આજે કોંગ્રેસ નેતાઓ અને શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને GMERS કૉલેજોમાં ફી વધારાને દુર કરવાની માંગ કરી હતી. તેમને કહ્યું કે, GMERS કૉલેજોમાં ફી વધારો યોગ્ય નથી. સમાજની સેવા માટે ડૉક્ટર બનવાની ભાવના છે. રાજ્યમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, છેલ્લે કોંગ્રેસના શાસનમાં સરકારી મેડિકલ કૉલેજ મળી હતી, વર્ષ 1994-95માં ભાવનગર, રાજકોટમાં મેડિકલ કૉલેજ મળી, જે પછી આટલા વર્ષોમાં એકપણ મેડિકલ કૉલેજ ગુજરાતમાં નથી મળી. તેમને વધુમાં જણાવ્યુ કે, ગરીબનો દિકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થવી જોઇએ, ફી વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઇએ. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરની GMERS કૉલેજોમાં ફી વધારાને લઇને વિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ અને એનએસયૂઆઇના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, અને તેમને ફી વધારો પાછો ખેંચવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે. એનએસયૂઆઇએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો એક અઠવાડિયામાં GMERS કૉલેજોમાં ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન કરાશે.