Amit Chavda Banaskantha rally: બનાસકાંઠાના દાંતા તાલુકા નજીક આવેલા રતનપુર ખાતે તાજેતરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નવનિર્વાચિત સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં એક ભવ્ય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખુલ્લેઆમ વેચાતા દારૂ, વ્યાપક ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી જેવા ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે.

Continues below advertisement

બુટલેગરોનું લિસ્ટ બનાવો, નહીંતર કોંગ્રેસ જનતા રેડ કરશે: ગેનીબેન ઠાકોર

કાર્યક્રમને સંબોધતા સાંસદ ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, આજે દેશના યુવાનો એટલા નિરાશ થઈ ચૂક્યા છે કે તેઓ વડાપ્રધાન સામે ખુલ્લેઆમ રોષ ઠાલવી રહ્યા છે. દિલ્હીમાં યુવાનોએ જે રીતે આંદોલન કર્યું, તેના દબાણ હેઠળ આવીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. 56 ઈંચની છાતી હોવાનો દાવો કરતા ગૃહમંત્રી પણ સંસદમાં યુવાનોના સવાલોના જવાબ આપી શક્યા નથી. ડ્રગ્સ અને દારૂના મુદ્દે સરકારને ઘેરતા તેમણે કટાક્ષ કર્યો કે, એક તરફ વડાપ્રધાન ડ્રગ્સ મુક્ત ભારતનું અભિયાન ચલાવે છે, તો બીજી તરફ દારૂ અને ડ્રગ્સની બેફામ હોમ ડિલિવરી થઈ રહી છે. દારૂના હપ્તા પોલીસથી લઈને છેક દિલ્હી સુધી પહોંચી રહ્યા છે. ગેનીબેને કાર્યકરોને આહ્વાન કર્યું કે, પોતાના વિસ્તારના બુટલેગરો અને ડ્રગ્સ વેચનારાઓનું લિસ્ટ તૈયાર કરી મુખ્યમંત્રીને આપો. જો સરકાર તેમને બંધ નહીં કરાવે, તો કોંગ્રેસ પાર્ટી જાતે 'જનતા રેડ' કરશે.

Continues below advertisement

100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો ક્યાં ગયો?: અમિત ચાવડા

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 'ડબલ એન્જિન' સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાત અને દિલ્હીની ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ પોતાનું એક પણ વચન પૂરું કર્યું નથી. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાના સપના બતાવનારા નરેન્દ્ર મોદીના રાજમાં આજે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં પહોંચી ગયા છે તે સૌ જોઈ રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નામે ખાતર અને બિયારણના ભાવ ડબલ કરી દેવાયા છે. આજે ખેડૂત એટલો દેવાદાર બની ગયો છે કે તે પોતાના દીકરાને ક્યારેય ખેડૂત નથી બનાવવા માંગતો. તેમણે યાદ અપાવ્યું કે કોંગ્રેસની સરકારે જ ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા.

આદિવાસી સમાજના મુદ્દે તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર આપ્યો હતો, પરંતુ ભાજપ સરકારે વિકાસના નામે તે અધિકાર છીનવી લીધો છે. ગરીબ અને સામાન્ય પરિવારના ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. તેમણે સરકારને પડકાર ફેંક્યો કે, જો તમારામાં ખરેખર હિંમત હોય તો અદાણી અને અંબાણીની જમીનો છીનવીને બતાવો.

પોલીસથી લઈને CMO સુધી પહોંચે છે દારૂના હપ્તા

સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે બોલતા ચાવડાએ કહ્યું કે, અત્યારે પૈસા આપ્યા વિના કચેરીઓમાં કોઈ કામ થતું નથી. બાપ-દાદાની જમીનમાં વારસદાર તરીકે નામ દાખલ કરાવવા માટે પણ હજારો રૂપિયાની લાંચ આપવી પડે છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી દારૂબંધીનો કાયદો સાવ અભેરાઈએ ચડાવી દેવાયો છે. જો વિધાનસભા કે બોર્ડર જેવો ચુસ્ત બંદોબસ્ત હોય તો ગુજરાતમાં એક ટીપું દારૂ ન ઘૂસી શકે. પરંતુ, દર મહિને લાખો રૂપિયાના હપ્તા પોલીસથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચી રહ્યા છે. પોલીસ ખુદ સ્વીકારે છે કે મોટો હિસ્સો તો SP, IG અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે.

ભાજપ આજના અંગ્રેજો છે, આપણે લડવું પડશે

અમિત ચાવડાએ ભાજપ સરકારની સરખામણી અંગ્રેજો સાથે કરતા કહ્યું કે, જેમ આઝાદી માટે આપણા વડવાઓએ બલિદાન આપ્યા હતા, તેવી જ લડાઈ આજે આપણે લડવી પડશે. આજના અંગ્રેજોની આ સરકાર વિરોધ કરવા માટે કોઈ પરમિશન પણ આપતી નથી. દિલ્હીમાં Gen Z (યુવા પેઢી) ના આંદોલન વખતે ભાજપની પોલીસે નાની દીકરીઓ પર લાઠીચાર્જ કરી તેમના માથા ફોડ્યા હતા. ભાજપ સરકારને ડરપોક ગણાવતા તેમણે ઉમેર્યું કે, જો આપણે આપણા હક માટે ઝનૂનથી લડીશું તો આ સરકાર ચોક્કસ ઝૂકશે. જંગલની જમીન માટે આપણે સૌએ સાથે મળીને સંઘર્ષ કરવો પડશે.

મા અંબાના ચરણે શીશ ઝુકાવ્યું, 2027 માટે કરી પ્રાર્થના

રતનપુર ખાતેનો સત્કાર સમારંભ પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના તમામ આગેવાનો અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓએ અંબાજીના ખોડીવલી સર્કલથી હાથમાં ધ્વજા લઈને પદયાત્રા શરૂ કરી હતી. "બોલ માડી અંબે, જય જય અંબે" ના ગગનભેદી નાદ સાથે તેઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજા અર્પણ કરી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની જનતાની સુખાકારી અને આવનારી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તે માટે મા અંબા સમક્ષ વિશેષ પ્રાર્થના કરી હતી.