ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી અનામતનો મુદ્દો જોર પકડતો લાગી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે હુંકાર કર્યો છે કે, ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરીશું. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે. 


શું છે બળદેવજીની માંગઃ


કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું કે, રાજ્યમાં 1 કરોડ અને 20 લાખ લોકોની ઠાકોર કોળી સમાજની વસ્તી છે. રાજ્યમાં 27 ટકા ઓબીસી સમાજમાં 80 ટકા ઠાકોર કોળી સમાજના લોકો છે, છતાં માત્ર બજેટમાં માત્ર ૧ કરોડ ૧૦ લાખ જ ફાળવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારમાં પણ અનામત જેવી સ્થિતિ છે. એસસી, એસટી અને ઓબીસી મિત્રોને મંત્રી મંડળમા સારૂ સ્થાન નથી મળ્યું. ત્યારે હવે ઠાકોર સમાજને 20 ટકા અનામત અપાવવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરવાની વાત બળદેવજી ઠાકોર કરી રહ્યા છે. બળદેવજી ઠાકોર ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા સીટના ધારાસભ્ય છે અને ઠાકોર સમાજના સક્રિય આગેવાન છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજમાંથી વ્યસનના દૂષણને દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈને રાધનપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ભાજપને ખેસ ધારણ કરીને ફરીથી રાધનપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. ઠાકોર સમાજ માટે અવારનવાર વિવિધ માંગણી થતી રહે છે ત્યારે હવે કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે. 


આ પણ વાંચોઃ


Milk Price Hike: ગુજરાતના આ શહેરમાં દૂધના ભાવમાં થયો વધારો, ગોલ્ડની થેલી હવે 62 રૂપિયાની, બીજી બ્રાન્ડમાં કેટલા થયા ભાવ ?