ગાંધીનગર : રાજ્યમાં ચૂંટણીનોસમય આવે એટલે સાથે પક્ષપલટાની મોસમ પણ આવે. એક પક્ષમાંથી કાર્યકરો અને નેતાઓ બીજા પક્ષમાં જાય અને આ સાથે રાજકીય પક્ષો એકબીજા પર ખરીદ-વેચાણનો આરોપ પણ લગાવે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એ પહેલા જ રાજ્યમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપો લાગવાના શરૂ થઇ ગયા છે. આ મામલે કોંગ્રેસના એક ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. 


ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી
ગાંધીનગરમાં યોજાયેલ આદિવાસી સત્યાગ્રહ રેલીમાં સંબોધન કરતા કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ દાવો કર્યો કે ભાજપવાળા દરરોજ ફોન કરે અને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપે છે. ભાજપવાળા 50 કરોડની ઓફર અને લાલ લાઈટવાળી ગાડી આપવાની ઓફર કરે છે. તેમણે કહ્યું કે તેમને ભાજપમાં નથી જવું અને કોંગ્રેસમાં જ રહેવું છે. જુઓ આ વિડીયો 


 



શું કહ્યું જીતુ વાઘાણીએ ? 
કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ કરેલા દાવા અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયા રહેવા માટે આવા નિવેદનો આપે છે. ભાજપમાં આવવું કે ન આવવું એ કહેવાની જરૂર નથી. ચૂંટણી આવે એટલે દેડકો નીકળી રહ્યા છે, અને બહારના દેડકાઓ પણ નીકળી રહ્યાં  છે. જેમ વરસાદ બાદ આ દેડકાંઓ સંતાઈ જાય છે એમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આ દેડકાઓ પણ ગાયબ થઇ જશે. 


2019માં પ્રદીપસિંહે આપ્યું હતું આમંત્રણ 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં વિધાનસભા સત્ર દરમિયાન તત્કાલીન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને આડકતરી રીતે ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મંત્રી મંડળમાં મહિલાઓને મંત્રી બનાવવા માગો છો કે કેમ? આ સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને ભાજપમાં આવવાની ઓફર કરી હતી.