ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાની  આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે. ડો. અનિલ જોશીયારાની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. મુખ્યમંત્રી પટેલ અંતિમ વિધીમાં હાજર રહેવા ભિલોડા જવા રવાના થયા હતા.


ચેન્નાઇથી ડો. જોશીયારાના મૃતદેહને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવીને ભિલોડા લઈ જવામાં આવ્યો હતો. ભિલોડા ખાતે ડો અનિલ જોશીયારા અંતિમ વિધિ પહેલાં મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને રાખવામાં આવ્યો હતો. બપોરે  12 વાગ્યા આસપાસ અંતિમક્રિયા કરવામાં આવશે.


કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અંતિમ દર્શને જવા રવાના થયા છે.


ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. કોરોનાના કારણે ચેન્નાઇ ખાતે સારવાર લઈ રહેલા ડો. જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું હતું.


ડૉ. અનિલ જોશિયારાનો જન્મ 24 એપ્રિલ 1953ના રોજ ગુજરાતમાં થયો હતો. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ગુજરાત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીના એક નેતાને થોડા સમય માટે વિધાનસભામાં અધ્યક્ષ પદની જવાબદારી સંભાળવાની તક મળી હતી. તે બીજું કોઈ નહીં પણ ડૉ. અનિલ જોશિયારા હતા. આ દરમિયાન અનિલ જોશિયારાએ એક કલાકથી વધુ સમય સુધી ગૃહમાં પ્રોટેમ સ્પીકર તરીકે કામ કર્યું હતું. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના લગભગ 25 વર્ષના શાસન દરમિયાન આવી ઐતિહાસિક ક્ષણ પહેલીવાર જોવા મળી.


1995માં પહેલીવાર ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા


વ્યવસાયે સર્જન અનિલ જોશિયારા 1995માં પહેલીવાર ભિલોડા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળની સરકાર દરમિયાન 1996 અને 1997માં આરોગ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.


આ પછી વાઘેલાએ 1998માં તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. ત્યારથી તેઓ આ વિધાનસભામાંથી કોંગ્રેસની ટિકિટ પર જીતતા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમના નિધનને રાજ્યના રાજકારણની મોટી ખોટ ગણાવી છે.