ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાનું ચેન્નાઈ ખાતે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમની ઉંમર 69 વર્ષની હતી. આજે મંગળવારે વહેલી સવારે ડૉ. અનિલ જોશીયારાનો નશ્વરદેહ ચેન્નાઈથી ફ્લાટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. 


એરપોર્ટ પર મૃતદેહ આવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. ડૉ. અનિલ જોશીયારાની અંતિમવિધી તેમના વતન ભિલોડા ખાતે કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી નશ્વરદેહને બાય રોડ ભિલોડા લઈ જવામાં આવશે. 


ગઈકાલે બપોરે અનિલ જોષિયારાના નિધન થયું હતું. ત્યાર બાદ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડૉ. અનિલ જોશીયારા 1995થી સતત ભિલોડા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતના અગ્રણી આદિવાસી નેતાઓમાંના એક હતા. 


ગઈકાલે ડૉ. અનિલ જોશીયારાના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરીવારને સાંત્વના પાઠવી હતી. 






રાજ્યમાં આવેલી કોરોનાની ત્રીજી લહેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. જાન્યુઆરી મહિનાના અંતમાં ડૉ. અનીલ જોશીયારાની તબિયત બગડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાતે કોરોનાની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચેન્નાઈ ખાતે લાંબી સારવાર ચાલ્યા બાદ કાલે બપોરે ડૉ. અનિલ જોશીયારાનું નિધન થયું હતું.


આ પણ વાંચોઃ


ઉત્તરપ્રદેશ માટે અમિત શાહને બનાવાયા પર્યવેક્ષક, ઉત્તરાખંડ અને ગોવાની જવાબદારી આ નેતાઓને મળી, જાણો