Ambaji Temple Prasad: યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વિવાદ વચ્ચે કોંગ્રેસ મેદાને આવી છે. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રસાદ મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો છે.  તેમણે કહ્યું કે, ભાજપ હિન્દૂ આસ્થા સાથે રમત રમી રહી છે. સત્તામાં બેઠેલા લોકો પ્રસાદ બદલવાની વાત કરે છે. જેમ અનેક કંપનીઓ અને એરપોર્ટ મિત્રોને આપ્યા તેમ ચીકીનો કોન્ટ્રાક્ટ મિત્રોને આપવા જઈ રહ્યા છે. મોહન થાળ માત્ર પ્રસાદ નથી લાગણી અને પરંપરા છે. જો ચીક્કીનો પ્રસાદ કરવામાં આવશે તો કોગેસ ઉગ્ર વિરોધ કરશે.


 



ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત પણ કરી છે. અંબાજી યાત્રાધામમાં પ્રસાદ તરીકે મોહનથાળ યથાવત રાખવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી.


તો બીજી તરફ અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા કરણીસેના પણ લાલઘૂમ થઈ છે. કરણી સેનાના અગ્રણીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણી સેના જવાબદારી સ્વીકારવા તૈયાર છે. કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણી જે.પી. જાડેજાએ અપીલ કરી છે.


આ ઉપરાંત યાત્રાધામ અંબાજીની મોહનથાળની પ્રસાદીને લઈને પાટણના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યાત્રાધામ અંબાજીની મોહનથાળની પ્રસાદીને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું કે, સવિનય ઉપરોક્ત વિષયે જણાવવાનું કે સમાચારપત્રોના માધ્યમથી હિંદુઓના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ વિશે વાંચી સખેદ આ રજૂઆત કરી રહ્યો છું. અંબાજી માતાના મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ એ માત્ર એક વાનગી જ નથી જેને બીજી કોઇ વાનગીથી બદલી શકાય. મોહનથાળનો પ્રસાદ સાથે હવે માતાજીના ભક્તોની શ્રધ્ધા સંકળાઈ ગઈ છે. મારી આ વિનંતી ધ્યાને લઇ મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલું રાખવા અને માતાજીના ભક્તોની શ્રદ્ધા અકબંધ રાખવા આપના સ્તરેથી યોગ્ય પગલાં લેવા વિનંતી છે.


ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિત અન્ય દેવસ્થાનોમાં ભ્રષ્ટાચાર


અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર એ લાખો કરોડો ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે. ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિતના અન્ય દેવસ્થાનોમાં ભષ્ટાચારો થયા છે. અંબાજી મંદિરમાં 6 દાયકાથી ભક્તોજનો આસ્થાથી પ્રસાદ લઈ રહ્યા છે. આ પ્રસાદ અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ પૈસાથી વહેચે છે. છતા પણ 6-8 મહિના પહેલા મોહનથાળના પ્રસાદ સાથે ચિક્કીનો પ્રસાદ બિનપરંપરાગત વહેચવાનુ શરુ કર્યું. મોહનથાળનો પ્રસાદ વર્ષે 20 કરોડ રુપિયોનો વેચાય છે. જયારે ચિક્કીનો પ્રસાદ એક દોઢ કરોડ રુપિયાનો વેચાય છે.


ચિક્કીનો પ્રસાદ વધુ વેચાય એ માટે ઘણા ગતકડા કરવામાં આવ્યા. મોહનથાળના પ્રસાદની કાઉન્ટરની બાજુમાં જ ચિકીના પ્રસાદનુ કાઉન્ટર રાખવામાં આવ્યુ છે. ચિક્કીના કાઉન્ટરમાં એવી વ્યવસ્થા આપવામાં આવી છે કે પૈસા નાખો એટલે સિધો જ પ્રસાદ મળી જાય. જ્યારે મોહનથાળના પ્રસાદ કાઉન્ટરમાં પૈસા ભરવાના અને બીજી જગ્યાએ પ્રસાદ લેવા જવાનું થાય. આટલા બધા ગતાકડા કરવા છતા પણ ભાવિકજનોની આસ્થા મોહનથાળના પ્રસાદમાં યથાવત રહી. મોહનથાળના પ્રસાદના કારણે ચિક્કીના પ્રસાદમાં કમાણી નહી થાય એટલે કલેક્ટરે મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરોડો ભાવિકજનોની આસ્થા પર વ્રજઘાત સમાન છે. જો મોહનથાળનો પ્રસાદ ચાલું કરવામાં નહી આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.