Gujarat Weather Update: રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે. સુરત શહેરમાં માવઠા જેવું વાતાવરણ છે, આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. માવઠાના કારણે કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કેરી પર આવેલા મોર ખરી પડવાની આશંકા છે. મહારાષ્ટ્ર બોર્ડર નંદુરબારમાં કમોસમી વરસાદ પડ્યો છે.
ભરૂચના વાતાવરણમાં પલટો
ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છે. આમોદમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આમોદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શીત લહેરો સાથે મેઘરાજાએ દસ્તક દીધી હતી. વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે.
બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ
બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિંબાગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. ધાનેરા,દાંતીવાડા, પાંથાવાડાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં અંધારપટ છવાયું છે, વરસાદી વાતાવરણ છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. રાયડો, જીરું, બટાકા, ખેતી પાકોની કાપણી સમયે ખેડૂતો ચિંતામાં છે.
વડોદરાના શિનોરમાં મધરાત્રે વરસાદ
વડોદરાના શિનોરમાં મધરાત્રીએ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે અસહ્ય ગરમી બાદ રાત્રી દરમિયાન વાતાવરણ બદલાયું હતું. વડોદરાના શિનોરમાં રાત્રી ના 2 થી 3 ના અરસામાં વિજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો.
ગોંડલ રાજકોટ વચ્ચે વાહન ઉપર કરા પડતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવકનું મોત
સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો વચ્ચેનું યુવા સંગઠન મજબૂત બને તે હેતુથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચેની મેચમાં આક્રમક બેટિંગ માટે જાણીતો નિમેષકુમાર રમેશ આહીર પણ રમતો હતો. તેણે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જે બાદ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા આરામ કરવા ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.