અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી આઠ બેઠકોની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે વીડિયો લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો  એક વીડિયો રજૂ કર્યો છે. કૉંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. સ્ટીંગ ઑપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ધારાસભ્યોને પૈસા આપી ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


ભાજપ દ્વારા પૈસા આપીને જનપ્રતિનિધિ ખરીદવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે.

ચાવડાએ એમ પણ કહ્યું કે, સી આર પાટીલને ખરીદ ફારોદના ઓપરેશન બદલ ઇનામ મળ્યું. પાટીલે મહત્વની ભૂમિકા ભજવી એટલે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. જે તે સમયે તેઓ અધ્યક્ષ હોય કે ન હોય તે મહત્વનું નથી, પણ તેમણે આ ઓપરેશન પાર પાડ્યું એટલે પ્રમુખ બનાવાયા હોવાનું પણ ચાવડાએ જણાવ્યું હતું.

કોંગ્રેસના આક્ષેપને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કોંગ્રેસે માનઘડત આક્ષેપો કર્યા છે તે બતાવવા હું હાજર થયો છું. જે વીડિયો વાયરલ થયો તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. સોમાભાઈએ અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો જ નથી. મારો ઉલ્લેખ માત્ર મિત્ર પૂરતો જ કર્યો છે.