GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ MLA પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવતા ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તો બીજી બાજુ કોંગ્રેસે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. આ અંગે નેતા વિપક્ષ સુખરામ રાઠવાની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી અને આ આ બેઠકમાં કોંગ્રેસના  સિનિયર નેતાઓ હાજર રહ્યાં હતા. 


કોંગ્રેસ MLA પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ
કોંગ્રેસ MLA પુંજા વંશે વિધાનસભા ગૃહમાં 'ટપોરી' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જે બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. પુંજા વંશ દ્વારા વિધાનસભા ગૃહમાં અસંસદીય શબ્દના ઉચ્ચકરણ બદલ શાસક પક્ષના દંડક દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો હતો અને પુંજા  વંશ ને 7 દિવસ સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. શાસક પક્ષના દંડકના આ પ્રસ્તાવને મંત્રી જીતુ વાઘાણીએ ટેકો આપ્યો હતો. જે બાદ MLA પુંજા વંશને વિધાનસભા ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં. 


કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને મળવા પહોંચ્યું 
નેતાવિપક્ષ સુખરામ રાઠવાની ચેમ્બરમાં થયેલી બેઠક બાદ સુખરામ રાઠવાની આગેવાનીમાં અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે 
પુંજા વંશને સસ્પેન્ડ કરવાના નિર્ણય પર પુનઃ વિચારણા કરવા માંગ કરી હતી. પુનઃ વિચારણા નહિ થાય તો અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ લાવી શકે છે


વિપક્ષના લોકો આવા શબ્દો બોલવા ટેવાયેલા છે : નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં અસંસદીય શબ્દના પ્રયોગ બાદલ શાસક પક્ષ દ્વારા કોંગ્રેસ MLA પુંજા વંશને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. શાસક પક્ષના દંડકે મુકેલા આ પ્રસ્તાવને મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટેકો આપ્યો હતો. નીતિન પટેલે કહ્યું કે વિપક્ષના લોકો આવા શબ્દો બોલવા ટેવાયેલા છે. પ્રથમ સત્રમાં પણ આવા શબ્દો વિપક્ષના સભ્યો બોલ્યા હતા. આ સાથે તેમણે  કહ્યું કે પંકજ દેસાઈની દરખાસ્ત ને અમારો ટેકો છે.