ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિની નિમણુંકને રદ કરી દીધી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવી હતી. કારણ કે કુલપતિ શિરીષ કુલકર્ણીની નિમણુક UGCના ધારાધોરણો મુજબ કરાઇ નહોતી. સુપ્રીમ કોર્ટે UGCના ધારાધોરણ અનુસાર કુલપતિની નિમણૂકના આદેશ આપ્યા હતા.
એટલુ જ નહીં, સુપ્રીમ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે ગુજરાતની ઘણી એવી યુનિવર્સિટીઓ છે જેના કુલપતિની નિમણુક યુજીસીના ધારાધોરણો મુજબ કરાઇ નથી. એસપી યુનિવર્સિટીના કુલપતિ તરીકે શિરીષ કુલકર્ણીની હાલ બીજી ટર્મ ચાલી રહી હતી. આ અગાઉ પણ અરજી કર્તાએ હાઇકોર્ટમાં શિરીષ કુલકર્ણીની નિમણુકને પડકારી હતી. પણ જે તે સમયે ટર્મ પૂર્ણ થવાને થોડો જ સમય બાકી હોવાથી હાઇકોર્ટે નિમણુકને રદ કરવાનો કોઇ આદેશ આપ્યો નહોતો.
તેમ છતાં બીજી ટર્મ માટે પણ શિરીષ કુલકર્ણીની કુલપતિ તરીકે નિયુક્તિ કરાઇ હતી. ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. યુજીસીની ગાઇડલાઇન મુજબ કુલપતિ તરીકે એ વ્યક્તિની જ નિમણુંક કરી શકાય છે જેને ભણાવવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોય.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની એમ કહીને પણ ઝાટકણી કાઢી હતી કે રાજ્યની યુનિવર્સિટીઓ ગ્રાંટ તો, યુજીસી પાસેથી લે છે પણ યુજીસીના નિયમોનું પાલન કરતી નથી.