Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપશે તેવી વાત સામે આવતા જ ભરુચ કોંગ્રેસમાં ભડકો થયો છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે પહેલાં જ ભરુચ બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.
AAP સાથે ગઠબંધનની ચર્ચા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થાય તેવી શક્યતા છે. સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક AAPને આપી તો અમે સમર્થન નહીં કરીએ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ જ ચૂંટણી લડે તેવી ફૈઝલ પટેલની માગ છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક કોંગ્રેસ જીતી શકે તેવી સ્થિતિમાં છે. ઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થશે. ચૈતર વસાવા ઉમેદવાર બનશે તો અમે પ્રચાર નહીં કરીએ.
ફૈઝલ પટેલે વધુમાં કહ્યું કે, ભાજપને હરાવવા ગઠબંધન જરૂરી છે. ભરૂચમાં કોંગ્રેસ લડે એ જ જરૂરી છે. ભરૂચમાં આપ કરતા કોંગ્રેસના જીતની શક્યતા વધારે છે. આજકાલમાં અંતિમ નિર્ણય જાહેર કરીશું. આ ઉપરાંત હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રાખીશું તેમ તેમણે કહ્યું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાનું નિવેદન
આપ સાથેના ગઠબંધનથી ભરૂચ કોંગ્રેસ નારાજ હોવાની વાત ખુલીને સામે આવી છે. જિલ્લા પ્રમુખે કહ્યું કે, આપનું માત્ર ડેડિયાપાડામાં જ વર્ચસ્વ છે. ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા કરવા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. હાઇકમાન્ડને રજુઆત કરીએ છે, આ સીટ કોંગ્રેસની છે અને કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ. રાહુલ ગાંધીને ગાળો આપનાર કેજરીવાલની પાર્ટીને સપોર્ટ નહીં કરીએ.
ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા
ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે. જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી AAP પોતાના ઉમેદવાર ઉતારશે.