આણંદ : રાજ્યમાં સમૂહ લગ્નમાં ફરી એક વખત વિવાદ થયો છે.  આણંદમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં કરિયાવરને લઈ વિવાદ સામે આવ્યો છે.  પેટલાદમાં જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.   પેટલાદ પાલિકા કોમ્યુનિટી હોલમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત જેટલા વર-કન્યાએ લગ્નના બંધનમાં બંધાવા માટે ભાગ લીધો હતો.  

લગ્નમાં કરિયાવરની વસ્તુ ન આપતા સમૂહ લગ્નમાં માથાકૂટ

આણંદના આ સમૂહ લગ્નમાં કરિયાવરની વસ્તુ ન આપતા સમૂહ લગ્નમાં માથાકૂટ થઈ હતી.  જમવાની વ્યવસ્થા પણ ન થતા વર પક્ષ અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા.  સમૂહ લગ્નમાં ભાગ લેનાર આ સાત વર-કન્યા પક્ષ પાસેથી 21000 રૂપિયા  લેવામાં આવ્યા હતા.  સમગ્ર બાબતમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.  પેટલાદ પોલીસે વિપુલ સોલંકી નામના આયોજકની અટકાયત કરી છે. પોલીસે હાલ તો આ સમગ્ર સમૂહ લગ્ન વિવાદને લઈ તપાસ હાથ ધરી છે.   

આ પહેલા રાજકોટમાં સમૂહ લગ્નમાં થયો હતો વિવાદ

રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર-કન્યા પક્ષના લોકો સ્થળ પર પહોંચતા ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ ઍપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોવા જેવી થઈ હતી. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું તે જ આયોજકો ફરાર થઈ ગયા હતા. જેના કારણે જાન લઈને આવેલા જાનૈયાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. 

આયોજકો ફરાર થઈ ગયા હતા

ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા.  આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી. 

આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા  રજળી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો હતો. 

પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરાઈ હતી

મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરવામાં આવી હતી.  હાજર વરઘોડીયાઓની લગ્નવિધિ કરાવી આપવા પોલીસે સંકલ્પ કર્યો હતો.  દીકરીઓના ચહેરા પર હરખના આંસુ લાવવાનો સંકલ્પ સાકાર થયો હતો. રાજકોટ પોલીસે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.